વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૬

સંવત ૧૮૮૪ના અષાડ વદિ અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા તથા પાઘમાં તોરા અતિશે શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે, (૧) ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતાં કાંઈ વાર લાગે નહિ, પણ જેમાં અતિશે રૂડા ગુણ હોય તેનો કેઈ રીતે ત્યાગ થાય ? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાન સંગાથે સહેજે જ પ્રીતિ થાય, ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ, માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેની સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે એ પ્રશ્ન છે ? પછી મોટા મોટા જે સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી હોય કે વૃદ્ધ હોય તોપણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરુણા આવ્યા હોય તો તેને અન્નજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજળ આપે તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દૃઢ ટેક છે, તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દૃઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ અને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, ને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને એવી જેને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દૃઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે પ્રીતિ થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દૃઢ ભક્તિ કરવી. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૬।। (૨૫૦)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારે વિષે પતિવ્રતાપણે પ્રીતિ કરવી ને અમારા મુક્તમાં જીવોનો મોક્ષ કરે એવો મોટો ગુણ છે તોપણ તે સાથે અમારા જેવી પ્રીતિ ન કરવી ને બીજા અવતારને વિષે તો કરવી જ નહિ ને અમારી મરજી પ્રમાણે જ વર્તવું અને જેમ હનુમાનજીએ રામચંદ્રજીને વિષે નિષ્ઠા રાખી હતી તે પછી ઘણાક અવતાર થઈ ગયા તોપણ નિષ્ઠા મૂકી નહીં. તેમ તમારે અમારે વિષે નિષ્ઠા છે. તે અમારા પછી અવતારો થાય તોપણ અમારે વિષેથી નિષ્ઠા ફરવા દેવી નહિ તે પતિવ્રતાની ભક્તિ છે, અને જેનું અંગ એવું ન હોય તેની ભક્તિ વ્યભિચારિણીના જેવી છે. (૧) બાબત છે.

૧        પ્ર પતિવ્રતા સ્ત્રી પતિ વિના બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ કે હસીને બોલે તો એનું પતિવ્રતાપણું નાશ પામે એમ કહ્યું તે પતિને ઠેકાણે તો શ્રીજીમહારાજ છે અને પતિવ્રતાને ઠેકાણે શ્રીજીમહારાજના ભક્ત છે પણ બીજા પુરુષને ઠેકાણે કોને જાણવા ને ભાવે કરીને જોવા કે હસીને બોલવું તે શું સમજવું ?

         બીજા પુરુષને ઠેકાણે સર્વે અવતારો જાણવા તે અવતારોને શ્રીજીમહારાજના અવતાર જાણીને દર્શન કરવાં તે ઠીક અને જો એમને શ્રીજીમહારાજના જેવા જ જાણીને દર્શન કરે તો ભાવે કરીને જોયું કહેવાય. અને શ્રીજીમહારાજનાં દર્શન જેવો જ આનંદ એમને દર્શને થાય તે હસીને બોલ્યું કહેવાય. માટે શ્રીજીમહારાજ વિના અન્ય અવતારોની મોટપ રહી જાય કે તેમને દેખીને હર્ષ પામે તો તે ભક્તનું પતિવ્રતાપણું નાશ પામે.

૨        પ્ર પતિવ્રતાને ઘેર પરોણા આવ્યા હોય તેને તથા પોતાના પતિના સંબંધીને અન્નજળ આપે એમ કહ્યું તે પરોણાને ઠેકાણે કોને જાણવા ? ને સંબંધીને ઠેકાણે કોને જાણવા ?

         વિષ્ણુ-વૈરાજાદિથી આરંભીને મૂળઅક્ષર પર્યંત સર્વ અવતારોને વિષે શ્રીજીમહારાજનો આવેશ છે તેમને પરોણા જાણવા. અને શ્રીજીમહારાજના મુક્તને શ્રીજીમહારાજનો સાક્ષાત્‌ સંબંધ છે તેમને સંબંધી જાણવા.

         પ્ર જે જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ એમ કહ્યું તે જેવે રૂપે, તે કેવે રૂપે જાણવું ?

         જે જેવે રૂપે એટલે છપૈયા ધામને વિષે ધર્મ-ભક્તિ થકી શ્રીજીમહારાજે મનુષ્ય રૂપે પ્રગટ થઈને દર્શન આપ્યાં છે તે રૂપ જાણવું, અને તેમને ઇષ્ટદેવ જાણીને પ્રીતિ બાંધવી ને તેમના જેવી મોટા મુક્તને વિષે પણ પ્રીતિ ન કરવી તો બીજા અવતારોને વિષે તો કરાય જ કેમ ? માટે શ્રીજીમહારાજને વિષે જ ઇષ્ટદેવપણાની પતિવ્રતાપણે ટેક રાખવી. અને આ જ પ્રતિમા રૂપે શ્રીજીમહારાજ સાક્ષાત્‌ દર્શન આપે છે તે મૂર્તિને વિષે પતિવ્રતાપણાની ટેક રાખવી અને મુક્તને વિષે મુક્તપણાની બુદ્ધિ રાખવી.

         પ્ર પોતાના ઇષ્ટદેવની મરજી પ્રમાણે જ વર્તે એમ કહ્યું તે મરજી શી જાણવી ?

૪        ઉ શ્રીજીમહારાજે ગૃહી-ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે યથાર્થ પાળે તે મરજી પ્રમાણે વર્ત્યા કહેવાય.

૫        પ્ર આમાં હનુમાનજીએ રામચંદ્રજી પછી કેટલાક અવતાર થયા તોપણ રામચંદ્રજીને વિષેથી પતિવ્રતાની ટેક મૂકી નહિ એમ કહ્યું, ત્યારે કોઈ મુમુક્ષુએ અવતારને વિષે પતિવ્રતાની ટેક રાખી હોય ને પછી તેને અવતારી મળે, ને તે અવતારને વિષેથી પતિવ્રતાની ટેક મૂકીને, અવતારીને વિષે પતિવ્રતાની ટેક રાખે તો તેને પતિવ્રતાપણામાં ખોટ્ય આવે કે લાભ થાય?

       હનુમાનજીને જે રામચંદ્રજીમાં પતિવ્રતાની ટેક છે તેને મૂઢપણાનો નિશ્ચય કહેવાય, તે મૂઢપણાના નિશ્ચયવાળા કરતાં, સમજણના નિશ્ચયવાળા જ્ઞાનીને શ્રીજીમહારાજે વધારે વખાણ્યો છે. અને એવો જે જ્ઞાની તે તો, અવતાર-અવતારીનો ભેદ, સગુણ-નિર્ગુણપણું, અન્વય-વ્યતિરેકપણું, તથા પૃથ્વીને વિષે જે ભગવાનના અવતાર થાય છે તે સર્વ રીતને જાણે. માટે તે સર્વ અવતારોના તથા મુક્તોના સ્વામી એક શ્રી સ્વામિનારાયણને જ જાણે. માટે તેને જ્યારે અવતારી મળે ત્યારે અવતારને વિષે નિષ્ઠા કરી હોય તે મૂકીને અવતારીને વિષે જ પતિવ્રતાની ટેક રાખે, તેમાં કાંઈ બાધ નથી, એમાં તો લાભ જ છે. કેમ જે સર્વના પતિ તો એક અવતારી જ છે, માટે અવતારમાંથી નિષ્ઠા મૂકીને અવતારીમાં નિષ્ઠા કરવી જ અને જ્યાં સુધી સર્વ સુખના ધામ એવા અવતારીની ઉપાસના ન મળે ત્યાં સુધી સર્વોપરી સુખ ન મળે; એ તો જ્યારે અવતારી મળે ને તેમને ઓળખીને તેમની ઉપાસના કરે ત્યારે જ સર્વોપરી સુખની પ્રાપ્તિ થાય. ।।૧૬।।